5 મહિના બાદ રાજ્યને મળ્યાં કાયમી DGP
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 3 નામો ચર્ચામાં

5 મહિના બાદ રાજ્યને મળ્યાં કાયમી DGP
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે 3 નામો ચર્ચામાં
અમદાવાદઃ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં મહત્વપૂર્ણ જાહેરાત થઇ છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકની રાજ્યના નવા કાયમી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
1993ની બેચના સિનિયર IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી.એસ. મલિક) ઓક્ટોબર 2028માં નિવૃત્ત થશે, એટલે કે તેઓ લાંબો સમય આ પદ સંભાળશે. 1 જાન્યુઆરી, 2026થી રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન. રાવ કાર્યરત હતા. 5 મહિનાના લાંબા ચાર્જ બાદ આખરે રાજ્યને કાયમી ડીજીપી મળ્યાં છે. કે.એલ.એન. રાવ હવે CID ક્રાઇમ અને જેલ વિભાગમાં ડીજી તરીકે પોતાની સેવાઓ યથાવત રાખશે.
મલિક ભૂતકાળમાં BSF અને CISFમાં ADG તરીકે પણ સેવાઓ આપી ચૂક્યાં છે. તેમની આ નિમણૂંક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ રૂ. 2,25,000 ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે.
જી.એસ. મલિકની DGP તરીકે બદલી થતાં હવે અમદાવાદ શહેરને પણ ટૂંક સમયમાં નવા પોલીસ કમિશનર મળશે. હાલમાં આ પદ માટે મુખ્યત્વે 3 IPS અધિકારીઓના નામ રેસમાં ચાલી રહ્યાં છે. જેમાં અનુપમસિંહ ગેહલોત - સુરત પોલીસ કમિશનર, મનોજ શશીધરન - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા પિયુષ પટેલ - એન્ટી કરપ્શન બ્યુરોના નામો ચર્ચામાં છે. અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે કોની પસંદગી થાય છે તેના પર હવે સમગ્ર પોલીસ બેડાની નજર રહેશે.







