ગાંધીનગર: ગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સિઝન વચ્ચે નવી આગાહીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે તારીખો સાથેની મહત્વપૂર્ણ આગાહીઓ જાહેર કરવામાં આવી છે. 

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેએ એક સમાન સૂર પુરાવતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર નબળું પડવાના કારણે 10 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પર વિરામ રહેશે. આ ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં 'વરાપ' નીકળશે, જેથી ખેડૂતો પોતાની વાવણી અને ખેતીકામની અન્ય તૈયારીઓ સરળતાથી કરી શકશે. જો કે, આ સમયગાળામાં હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકોને ભારે બફારો અનુભવાશે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ, અલ નીનોની લાંબાગાળાની ચિંતા વચ્ચે જુલાઈમાં વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય, પરંતુ આ દિવસોમાં વરસાદની ટકાવારી ઓછી રહેશે અને માત્ર છૂટાછવાયો વરસાદ જ જોવા મળશે.

14 થી 17 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે રાજ્યમાં ફરી એકવાર ચોમાસાની ગતિવિધિઓ વધારશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 13 થી 16 જુલાઈની વચ્ચે જ ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 17 જુલાઈની આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત બનતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ફરી સારો વરસાદ જોવા મળશે. જો કે, આ રાઉન્ડમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને તે છૂટોછવાયો જ રહેશે.

અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસો માટે બીજી આગાહી કરી છે. તેમના અનુમાન પ્રમાણે, 17 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક નવું ચક્ર સક્રિય થશે. આ સિસ્ટમ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ લાવી શકે છે. જો કે, આ વરસાદનો સંપૂર્ણ મદાર બંગાળની ખાડીની સિસ્ટમની મજબૂતાઈ પર રહેશે.