- 109 તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ
- 10 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ
- અમદાવાદના કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટું પડ્યું
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 145 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ પ્રમાણે, નવસારીના વાંસદામાં સૌથી વધુ 4.88 ઈંચ વરસાદ પડ્યો હતો. ચીખલીમાં 4.02 ઈંચ, કપરાડામાં 3.86 ઈંચ, વઘાઈમાં 3.66 ઈંચ, બારડોલીમાં 3.58 ઈંચ, ગણદેવીમાં 3.46 ઈંચ, નવસારીમાં 3.31 ઈંચ, નાનાપોંઢામાં 3.27 ઈંચ, પલસાણામાં 3.23 ઈંચ, જલાલપોરમાં 3.11 ઈંચ, ડાંગમાં 2.95 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગે બુધવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આજે ચોમાસાની ઋતુમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

















