• ચાંદખેડા પોલીસ મથકે નોંધાયેલી અપહરણની FIR ની કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવી રોક
  • બંને અરજદારોના જીવને જોખમ હોવાથી પોલીસ પ્રોટેક્શન આપવા કોર્ટની સરકારને સૂચના
  • અગાઉ પરિવારના દબાણમાં અશોક સાથે રહેવાનો ઇનકાર કર્યો હોવાની કિંજલની કબૂલાત

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવા ખુલાસાઓ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે કિંજલ રબારી પોતાના પતિ અશોક ચૌધરી સાથે હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર થઈ હતી. કોર્ટ સમક્ષ તેણે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે તેનું કોઈ અપહરણ થયું નથી અને તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે ગઇ હતી. હાઈકોર્ટે આ નિવેદનની ગંભીર નોંધ લઈ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ સામે સ્ટે આપ્યો છે અને બંનેને પોલીસ સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપ્યાં છે.

સુનાવણી દરમિયાન કોર્ટે કિંજલને સીધો સવાલ પૂછ્યો હતો કે, તમે તમારી મરજીથી રહો છો ? કોઈએ તમારું કિડનેપિંગ કર્યું છે?  તેના ઉત્તરમાં કિંજલે સ્પષ્ટતા કરી હતી કે, ના, મારું કોઈ અપહરણ થયું નથી. હું સંપૂર્ણ સ્વેચ્છાએ અને મારી મરજીથી અશોક ચૌધરી સાથે રહું છું. કિંજલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કિંજલ 24 વર્ષની પુખ્ત યુવતી છે અને તે તેના કાયદેસરના પતિ અશોક ચૌધરી સાથે પોતાનું દાંપત્યજીવન વિતાવવા માંગે છે.

કિંજલે કોર્ટમાં અગાઉની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, અગાઉ જ્યારે હેબિયસ કોર્પસ અરજી થઈ હતી ત્યારે પરિવારના ભારે દબાણને કારણે તેણે અશોક સાથે જવાનો ઇનકાર કરીને પરિવાર સાથે રહેવું પડ્યું હતું, પરંતુ હવે તે સ્વેચ્છાએ પાછી આવી છે.