- અમદાવાદના બોપલ-ઘુમા ફરી જળબંબાકાર થઈ શકે છે
- મોડી રાતથી જ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લા પર ભારે વરસાદનું સંકટ
- નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ
ગાંધીનગર: ગુજરાતમાં એક સાથે વરસાદની 4 અલગ-અલગ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને જોતાં તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.આવતીકાલે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આફત અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્ય તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે.
આવતીકાલે અમદાવાદ અને વડોદરાની તમામ સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદમાં બાળકોની સલામતી અર્થે તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોડી રાતથી જ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લા પર ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિક તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.













