મુંબઇઃ બોલિવૂડ અભિનેતા તુષાર કપૂરને ₹5 કરોડની ખંડણીની ધમકી મળતાં ફિલ્મ જગતમાં ચકચાર મચી ગઈ છે. એક અજાણ્યા વ્યક્તિએ પોતાને ગેંગસ્ટર હરિ બોક્સર ગણાવી અભિનેતાને વૉઇસ નોટ મોકલી હતી અને મોટી રકમની માગણી કરી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ અસલી હરિ બોક્સર હોવાની શક્યતા ઓછી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસ પહેલાં જ મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફના નિવાસસ્થાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને આશંકા છે કે કોઈ વ્યક્તિ આ ઘટનાને પગલે સર્જાયેલા ભય અને ગભરાટનો લાભ લઈને બોલિવૂડના કલાકારોને નિશાન બનાવી રહી છે.
વૉઇસ નોટ દ્વારા માગી ₹5 કરોડની ખંડણી
પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, તુષાર કપૂરને એક વૉઇસ નોટ મળી હતી. તેમાં ફોન કરનારે ધમકી આપીને ₹5 કરોડની ખંડણી માગી હતી. આ મામલે અભિનેતાએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.













