જૂનાગઢઃ જિલ્લાના સોરઠ ચોકી હાઇવે પરબ નજીક ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરીને પોતાના વતન મહારાષ્ટ્ર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કાર પલટી મારીને ખેતરમાં પડ્યા બાદ તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જોકે અંદર સવાર ચારેય મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, જય પ્રકાશ જાદવની માલિકીની કારમાં મહારાષ્ટ્રના ચાર શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. સોરઠ ચોકી હાઇવે પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારીને બાજુના ખેતરમાં ખાબકી હતી. કાર પલટી ખાતા જ તેમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કારમાં આગ લાગતા જ અંદર બેઠેલા ચારેય મુસાફરોએ ગભરાયા વિના સમયસૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર નીકળી જવામાં સફળતા મેળવી હતી, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ અંદાજે 1000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કાર બળીને ખાખ થઈ જવાથી ભારે નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

















