JAMNAGAR NEWS: શહેરના સેનાનગર વિસ્તારમાં બાલાજી પાર્ક નજીક નશીલા પદાર્થોને લઇને દરોડા પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ પર હુમલાની ગંભીર ઘટના બની છે. હુમલામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સેનાનગર વિસ્તારમાં બાલાજી પાર્ક પાસે એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ નશીલા પદાર્થો અંગે કાર્યવાહી કરવા પહોંચી હતી,ત્યારે સ્થળ પર હાજર કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ ટીમ સાથે ઘર્ષણ કરીને હુમલો કર્યો હતો.
હુમલામાં માથામાં ગંભીર ઈજા પામેલા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સિટી 'C' ડિવિઝન પોલીસ, DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
હુમલો કરનાર શખ્સોની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે, તેમજ પોલીસની કાર્યવાહી વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

















