નવસારી: ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ હાઈપ્રોફાઈલ હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક્સપ્રેસ હાઈવે પર હાથ ધરાયેલી કાર્યવાહીમાં બે કારમાંથી અંદાજે ₹3.28 કરોડની કિંમતનો 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય પેડલર પ્રમોદ પાઠક સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એક્સપ્રેસ હાઈવે પર પોલીસની વોચ, બે કારમાંથી કરોડોનો જથ્થો જપ્ત
LCB પોલીસને હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બે શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવતાં તેમાંથી મોટા પ્રમાણમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વડોદરા ખાતે ગાંજાનો કેટલોક જથ્થો પહોંચાડ્યા બાદ વાપી તરફ જઈ રહ્યાં હતા. પોલીસે બંને કારમાંથી કુલ 9.375 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹3.28 કરોડ હોવાનું જણાવાયું છે.

















