વલસાડ: જે કામ જીએસટી વિભાગનું છે તે કામ પોલીસ કરી રહી છે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં માલની હેરાફેરી જીએસટીના બિલો વગર થઇ રહી હોવાના અનેક કિસ્સા છે, આ મામલે અમે કરચોરીના અનેક વખત રિપોર્ટ પણ પ્રસિદ્ધ કર્યા છે, હવે સોપારીમાં કરચોરીનો મોટો ખેલ સામે આવ્યો છે.વાપીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરીને સોપારી ભરેલી 10 ટ્રકો ઝડપી પાડવામાં આવી છે.કર્ણાટકથી વાપી આવેલા સોપારીના આ જથ્થાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં તમામ ટ્રકોમાં ભરેલી સોપારી કર્ણાટકથી લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આટલા મોટા જથ્થા પાછળ કોનો હાથ છે અને સોપારીનો ગેરકાયદેસર વેપાર કોના આર્શીવાદથી થઈ રહ્યો હતો ? તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
દસ્તાવેજોની તપાસ શરૂ
SOG દ્વારા ટ્રકોમાં ભરેલી સોપારીના પરિવહન સંબંધિત દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે. 10 ટ્રકોમાં કુલ કેટલા કરોડ રૂપિયાની સોપારી ભરેલી છે,આ માલનો અસલી માલિક કોણ છે અને ગુજરાતમાં કયા વેપારી સુધી આ જથ્થો પહોંચાડવાનો હતો ? તે મુદ્દાઓને લઇને હાલ તપાસ શરૂ થઇ છે.

















