- મહીસાગર ACB નું સફળ ઓપરેશન
- ત્રીજો હપ્તો ખાતામાં જમા થયા બાદ ફરી લાંચ માંગી હતી
ઝાલોદઃ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તા પાસ કરાવવા લાંચ લેનારા ઝાલોદ નગરપાલિકાના કરાર આધારિત એન્જિનિયર અને તેના વચેટિયાને મહીસાગર એ.સી.બી.એ રૂ. 10,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે.
જયેશકુમાર જયંતીલાલ પટેલ (ઉં.વ. 35, એન્જિનિયર - અફોર્ડેબલ હાઉસિંગ મિશન, ઝાલોદ નગરપાલિકા, 11 માસ કરાર આધારિત). મૂળ રહે. કાંસા, તા. વિસનગર, જી. મહેસાણા (હાલ રહે. ઝાલોદ) તથા મનુભાઈ ચંદુભાઈ વસૈયા (ઉં.વ. 49, ધંધો: વેપાર, રહે. મુવાડા રાયણ ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) એસીબીના છટકામાં સપડાયા હતા.
ફરિયાદીને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું. તેના પ્રથમ હપ્તા રૂ. 70,000 વખતે રૂ. 5000 અને બીજા હપ્તાના રૂ. 80,000 વખતે રૂ. 10,000 લાંચ પેટે ચૂકવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ ત્રીજો હપ્તો રૂ. 1,50,000 બેંક ખાતામાં જમા થતાં આરોપી જયેશકુમાર પટેલ દ્વારા ફરીથી રૂ.10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

















