રાજુલાઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે પડોશમાં રહેતા શખ્સે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી સામે સગીરાના પિતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યાં મુજબ, કોવાયા સ્થિત અલ્ટ્રાટેક ટાઉનશિપમાં રહેતા અજીતસિંહ ઉમેશસિંહ નામના શખ્સ સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા બે મહિનાથી પડોશમાં રહેતી સગીરાને પોતાના મોબાઈલ ફોનમાં અવારનવાર બીભત્સ ફોટો અને વીડિયો બતાવીને માનસિક રીતે હેરાન કરતો હતો.

થોડા દિવસો પહેલાં સાંજના સમયે સગીરા પુસ્તક લેવા આરોપીના ઘરે ગઈ હતી, તે સમયે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ બનાવથી ડરી ગયેલી સગીરાએ આખરે પોતાના પરિવારજનોને સમગ્ર આપવીતી જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અજીતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ તથા છેડતીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.