નવી દિલ્હીઃ આજે દિલ્હીમાં એક મોટું રાજકીય શક્તિ પ્રદર્શન થયું, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન, ઈન્ડિયા બ્લોક રામલીલા મેદાનમાં એક વિશાળ રેલી યોજી હતી.  આ રેલી દ્વારા, વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની માંગ કરી છે, આ મુદ્દો મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા (SIR) સાથે સંબંધિત છે. વિપક્ષનો આરોપ છે કે આ પ્રક્રિયાના નામે મોટી સંખ્યામાં લાયક મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. તેનાથી શાસક ભાજપને ફાયદો થઈ રહ્યો છે. વિપક્ષી પક્ષો તેને મત ચોરીનો કેસ કહી રહ્યાં છે. 

ચૂંટણી પંચનું કહેવું છે કે મતદાર યાદીમાં સુધારો કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. મૃત મતદારો અને તેમના સરનામા પરથી ખસેડાયેલા મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યાં છે. ભાજપ અને ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિવાદે રાજકીય સંઘર્ષને વધુ વધાર્યો છે. વિપક્ષ હવે આ મુદ્દાને સંસદની બહાર અને જનતા સમક્ષ લઈ જશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના અનેક અગ્રણી નેતાઓ રેલીમાં હાજરી આપી હતી.  રાહુલ ગાંધીએ લોકોને દિલ્હી પહોંચવાની પહેલા જ અપીલ કરી હતી અને હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યાં હતા.

વિપક્ષનો દાવો છે કે આ ફક્ત એક પક્ષના પ્રદર્શનનો મામલો નથી, પરંતુ લોકશાહી સંસ્થાઓની ચૂંટણી પારદર્શિતા અને જવાબદારીનો પ્રશ્ન છે. આ કારણોસર, રાજકીય પક્ષો ઉપરાંત, સામાજિક સંગઠનો અને નાગરિક સમાજના સભ્યોને રેલીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતુ, આ વિરોધને કારણે દિલ્હીમાં રાજકીય વાતાવરણ પહેલેથી જ ગરમાયું છે અને આજે બધાની નજર રામલીલા મેદાન પર હતી.

રેલી પહેલા રાજધાનીમાં ખાસ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે રામલીલા મેદાન અને તેની આસપાસ દેખરેખ વધારી દીધી છે. સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની કંપનીઓ સાથે મેદાનની અંદર અને બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.