આણંદઃ જિલ્લામાં એક વ્યક્તિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેની પત્નીને બાંગ્લાદેશ દેશનિકાલ ન થાય. લગભગ એક દાયકા પહેલા પ્રેમ માટે ભારત આવેલી કાજલે ત્યારથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. તેને ડર છે કે જો તેને તેના મૂળ દેશમાં પાછી મોકલવામાં આવશે તો તેના જીવને જોખમ છે.
આણંદના એક વ્યક્તિએ પોતાની બાંગ્લાદેશી મૂળની પત્નીને દેશનિકાલ ન કરવા ગુજરાત સરકારને અપીલ કરી છે. પત્નીએ હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી બાંગ્લાદેશમાં તેની જાનને જોખમ હોવાની અને તેમના બે બાળકોની માતા છૂટી પડી જવાની દલીલ રજૂ કરીને માનવીય ધોરણે રાહત માંગવામાં આવી છે.
લાંભવેલ ગામના રહેવાસી તરુણ પટેલને 2012-13 માં ફેસબુક દ્વારા બાંગ્લાદેશની કાજલ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. કાજલ કાયદેસર રીતે લગ્ન કરવા માટે પાસપોર્ટ મેળવી ન શકવાના કારણે, પરિવારના દબાણમાં અન્યત્ર લગ્ન ન કરવા પડે માટે અંદાજે 10 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત આવી હતી.
ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાંચ દ્વારા કાજલની અટકાયત કરવામાં આવી છે અને તેને મહિલા આશ્રયગૃહમાં રાખીને ડિપોર્ટેશન (સ્વદેશ પરત મોકલવાની) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

















