વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. ઉજવણી દરમિયાન ભારતીય સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી હતી. ભારતીય ઉદ્યોગપતિ વિશાલ ગોંડલે રાષ્ટ્રપતિ ટ્રમ્પને હનુમાન ચાલીસાની નકલ ભેટમાં આપી છે. ઓફિસમાં દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય મૂળની અનેક હસ્તીઓ હાજર રહી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળી સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા સહિત ભારતીય મૂળની અનેક જાણીતી વ્યક્તિઓ હાજર રહી હતી.ભારતીય ટેક ઉદ્યોગસાહસિક અને GOQiiના સ્થાપક વિશાલ ગોંડલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હનુમાન ચાલીસાની એક નકલ ભેટમાં આપી હતી.
વિશાલ ગોંડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ખાસ ક્ષણની તસવીરો અને માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દિવાળીની ઉજવણી કરવી તેમના માટે સન્માનની વાત હતી. તેમણે હનુમાન ચાલીસાને ભગવાન હનુમાનની સ્તુતિ ગણાવી હતી અને કહ્યું હતું કે લાખો લોકો તેના પાઠમાંથી સાહસ, ભક્તિ અને શક્તિની પ્રેરણા મેળવે છે.














