વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીના પરિણામોથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સ, બંનેમાં બહુમતી મેળવી લીધી છે. આનાથી અમેરિકન સંસદમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ચૂંટણીમાં ડેમોક્રેટ્સે એવા રાજ્યોમાં પણ જીત મેળવી છે જ્યાં લાંબા સમયથી રિપબ્લિકન્સનું વર્ચસ્વ હતું. ટેક્સાસ, સાઉથ કેરોલિના અને નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં મળેલી જીતે અમેરિકન રાજકારણના સમીકરણો બદલી નાખ્યા છે. આ પરિણામોને ટ્રમ્પની લોકપ્રિયતા અને તેમના રાજકીય પ્રભાવ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.
ગવર્નર પદ માટે થયેલી ઘણી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં ડેમોક્રેટિક ઉમેદવારો- ઓહાયોમાં ડૉ. એમી એક્ટન, આયોવામાં રોબ સેન્ડ, જ્યોર્જિયામાં કીશા લાન્સ બોટમ્સ અને ટેક્સાસમાં જીના હિનોજોસાએ ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. આ સાથે જ, આ રાજ્યોમાં દાયકાઓથી ચાલ્યો આવતો રિપબ્લિકન પાર્ટીનો દબદબો સમાપ્ત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના આ પરિણામો એટલા માટે પણ મહત્વના છે કારણ કે ઓહાયો અને આયોવામાં છેલ્લા 20 વર્ષથી કોઈ ડેમોક્રેટિક ગવર્નર ચૂંટાયા ન હતા. જ્યોર્જિયા વર્ષ 1998 પછી ડેમોક્રેટ્સના હાથમાં ન હતું અને ટેક્સાસમાં 1990 પછી કોઈ ડેમોક્રેટિક ગવર્નર બન્યાં ન હતા. આ ચાર ચૂંટણી પરિણામોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટા આંચકા સમાન ગણવામાં આવી રહ્યાં છે.
ડેમોક્રેટ્સના ઉમેદવાર એમી એક્ટને ઓહાયોમાં ગવર્નર પદ જીતીને રિપબ્લિકન પાર્ટીનો 20 વર્ષ જૂનો દબદબો ખતમ કર્યો છે. 60 વર્ષીય એમી એક્ટન એક ફિઝિશિયન છે અને ઓહાયો આરોગ્ય વિભાગના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે એક રસાકસીભરી સ્પર્ધામાં 51 ટકા મત મેળવીને રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને પરાજય આપ્યો હતો. ચૂંટણીમાં રામાસ્વામીને 45 ટકાથી થોડા વધુ મત મળ્યાં હતા. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે એમી એક્ટન ઓહાયોના ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા બન્યા છે. તાજેતરની રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં ઓહાયોનો ઝુકાવ રિપબ્લિકન પાર્ટી તરફ નોંધપાત્ર રીતે વધ્યો હતો અને છેલ્લી ત્રણેય ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ રાજ્યમાં જીત મેળવી હતી. બે દાયકા બાદ ઓહાયોના ગવર્નર પદે કોઈ ડેમોક્રેટ ઉમેદવારનું પુનરાગમન થયું છે. આ અગાઉ આ પદ પર જીતનારા છેલ્લા ડેમોક્રેટ ટેડ સ્ટ્રિકલેન્ડ હતા, જેમણે 2006માં રિપબ્લિકન કેન બ્લેકવેલને હરાવ્યાં હતા.
ઓહાયોની ચૂંટણી મુખ્યત્વે આર્થિક ચિંતાઓ, મોંઘવારી અને રાજ્યના વહીવટની કામગીરીના મુદ્દાઓ પર લડાઈ હતી. જો કે, ચૂંટણી પ્રચાર ત્યારે વિવાદમાં આવ્યો જ્યારે વિવેક રામાસ્વામીની ટીમે એક્ટનની પારિવારિક પૃષ્ઠભૂમિ પર નિશાન સાધતી એક જાહેરાત બહાર પાડી, જેમાં તેમના પર અંગત હુમલો કરવામાં આવ્યો હતો. આ જાહેરાતની બંને પક્ષો દ્વારા વ્યાપક ટીકા કરવામાં આવી હતી.













