અમદાવાદ: રાજ્યમાં પોલીસ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેક્નિકલ કેડરની વિવિધ પોસ્ટ મળી કુલ 13,152 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે આજથી એટલે કે 26 નવેમ્બર, બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ ભરતીમાં OBC પુરુષ કેટેગરી માટે સૌથી વધુ 3,431 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ, ઉમેદવારોએ અરજી કરતા પહેલાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, નેગેટિવ માર્કિંગ, અનામતના પ્રમાણપત્રો, વધારાના ગુણ અને દસ્તાવેજ ચકાસણી જેવી મહત્ત્વપૂર્ણ બાબતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. ખાસ કરીને શારીરિક કસોટીમાં દોડના માપદંડ અને લેખિત પરીક્ષાના બંને વિભાગોમાં અલગ-અલગ પાસ થવાની જોગવાઈ ઉમેદવારો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100 પરીક્ષા ફી ઉપરાંત લાગુ પડતો બેન્ક સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે. જ્યારે EWS, SC, ST, SEBC અને માજી સૈનિક ઉમેદવારોને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોએ ફી માત્ર ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈ શકશે. આ ઉપરાંત ભરતી સંબંધિત તમામ વિગતવાર સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

















