સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ઘરમાંથી ચાલતા વિદેશી દારૂના વેપારનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં સુરત ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય રતિલાલ મોદી અને તેના એક સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેનો પુત્ર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ.એ. અસારી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાંડ બજાર ખાતે એસ.એમ.સી. પાર્કિંગની પાછળ આવેલા લક્ષ્મીભવનના પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.2,65,519 થાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી રૂ.35,000ની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂ. 3,00,519નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી 62 વર્ષીય વિજય રતિલાલ મોદી અને બેગમપુરાના રહેવાસી 29 વર્ષીય કરણ રાકેશભાઈ પાનવાલાની ધરપકડ કરી હતી. હીરાના કારીગર તરીકે કામ કરતો કરણ દારૂના પેકિંગ અને વેચાણમાં મદદ કરતો હતો. તેની સામે અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ દારૂનો ગુનો નોંધાયેલો છે.

















