- અમદાવાદમાં પણ મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો
- અમરેલીના રાજુલામાં સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે 2 ઇંચ વરસાદ
અમદાવાદઃ રાજ્ય પર સર્જાયેલી એકથી વધુ વરસાદી સિસ્ટમના કારણે હાલ ચોમાસું જામ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થેયલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ પડ્યો છે. અમાદાવાદમાં પણ મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ખાંભા સિવાય રાજુલામાં 6.73 ઇંચ, ઉનામાં 6.42 ઇંચ, ગણદેવીમાં 6.38 ઇંચ, મહુવા(ભાવનગર)માં 6.06 ઇંચ, ચીખલીમાં 5.67 ઇંચ, જલાલપોરમાં 4.84 ઇંચ, નવસારીમાં 4.8 ઇંચ, જાફરાબાદમાં 3.9 ઇંચ, સાવરકુંડલામાં 3.54 ઇંચ વરસ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

















