• હત્યાની લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ
  • વાવ-થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો

બનાસકાંઠાઃ વાવ-થરાદ વિસ્તારના લાખણી તાલુકાના કૂવાણા ગામે આવેલા જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. હાઈવે પર સ્થિત ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ ખાતે ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવાન પર ઘાતક હથિયારથી   મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે બનેલી આ ક્રૂર હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, કૂવાણા ગામના હાઈવે પર આવેલા પાર્લર પાસે એક યુવાન ઊભો હતો, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ધારિયા, છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યાં હતા. હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર યુવાન પર ધારિયા વડે ઉપરાઉપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું.

ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત: હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ લોહિયાળ હત્યાકાંડને અંજામ આપીને ત્રણેય શખ્સો ભાગી ગયા હતા.