- જમીનની વહેંચણી અને માપણીની કામગીરી પૂર્ણ કરવા માટે સર્વેયરે લાંચ માંગી હતી
- બસ સ્ટેશન બહાર પકોડી સેન્ટર પરથી રંગેહાથ પકડાયો
નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ACB એ એક મોટી સફળ ટ્રેપ કરીને જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયરને રૂ. 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, આરોપી દિલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ, જેઓ નડિયાદ સ્થિત જિલ્લા નિરીક્ષક જમીન અને દફતર કચેરીમાં લાયસન્સ સર્વેયર તરીકે ફરજ બજાવે છે, તેમણે ફરિયાદી પાસે જમીન માપણીની કામગીરીના અવેજ પેટે લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી તેમના નાના ભાઈ અને કાકાના દીકરાઓએ વર્ષ 2023માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખેતીલાયક જમીન ખરીદી હતી. આ જમીન પર પોતપોતાના હિસ્સાની વહેંચણી કરવા માટે ફરિયાદીએ ગુજરાત સરકારની IORA વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી હતી. અરજીના આધારે આરોપી લાયસન્સ સર્વેયર દિલીપસિંહે જમીન પર જઈને હિસ્સા માપણી કરી ફરિયાદીનું નિવેદન લીધું હતું, પરંતુ જમીન માપણીનો ખૂંટો માર્યો ન હતો. જ્યારે ફરિયાદીએ ખૂંટો મારવા માટે જણાવ્યું, ત્યારે આરોપીએ જમીનની માપણી વ્યવસ્થિત કરી આપવા, કોઈ વાંધા ન કાઢવા અને કામગીરી પૂર્ણ કરવાના બદલામાં વ્યવહાર પેટે રૂ. 90,000ની લાંચની માંગણી કરી હતી.

















