સુરતઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાત લોકોને લઈ જતી ઇનોવા કાર નદીમાં ખાબકતા 4 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

સુરતના વકીલ અશોકભાઈ પટેલ, તેમના પત્ની સુધાબેન અને પુત્રી રૂતિકાનું અકસ્માતમાં મોત થયા છે, જ્યારે તેમના પુત્ર વેદાંત ઘાયલ થયા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ડ્રાઇવર સહિત કુલ ચાર લોકોના મોત થયા છે.

અહેવાલો અનુસાર, અશોકભાઈ પટેલનો પરિવાર 31 ઓક્ટોબરના રોજ ચારધામ યાત્રા માટે સુરતથી નીકળ્યો હતો. પરિવારે ગંગોત્રીની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેઓ કેદારનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેમની ઇનોવા કાર ઊંડી ખીણમાં પડી ગઈ અને નદીમાં ખાબકી હતી.

ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળેલી માહિતી મુજબ કારમાં સાત લોકો સવાર હતા. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાં સુરતના બે, ડ્રાઈવર અને સુરેન્દ્રનગરનો એક વ્યક્તિનો સમાવેશ થાય છે. બે લોકો ગુમ છે, જ્યારે એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.