સુરતઃ શહેરના અઠવામાં બે સગીરોની મટન કાપવાના છરાથી કરવામાં આવેલી હત્યામાં મોટો ખુલાસો થયો હતો. નાનપુરા મટન માર્કેટ નજીક ફાતિમા કબ્રસ્તાન પાસે બનેલી આ ઘટનામાં પરિવારે ઑનલાઇન ગેમિંગના વિવાદનો આક્ષેપ કર્યો હતો, જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાહેર કર્યુ હતું. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી હત્યામાં સામેલ ત્રણેય સગીર આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગઈકાલે બપોરે આશરે પોણાબાર વાગ્યાની આસપાસ નાનપુરા મટન માર્કેટ સ્થિત ફાતિમા કબ્રસ્તાન પાસે બે સગીરો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાટી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બંને સગીરોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં હત્યા પાછળ ગેમ નહીં પરંતુ સોશિયલ મીડિયાનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર 'સલમાન ખાન' નામનું એક ગ્રુપ ચાલે છે. આ ગ્રુપમાં કોઈ સભ્ય દ્વારા બેથી ત્રણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેના પર એક કિશોરે ગાળો બોલી 'આવા બિનજરૂરી વીડિયો ટાઈમપાસ માટે કેમ નાખો છો?' તેવી ટિપ્પણી કરી હતી.

આ બાબતે બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ વિવાદનું સમાધાન કરવા માટે તમામ પક્ષો ફાતિમા કબ્રસ્તાન પાસે એકઠા થયા હતા. ત્યાં વાતચીત દરમિયાન મૃતક કિશોરોએ સામેવાળા કિશોરને ટપલીદાવ કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવી તેણે મટન કાપવાના છરા વડે બંને સગીરો પર એક-એક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે બંનેના મોત નીપજ્યા હતા.