• સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરાઈ 
  • પોલીસ દ્વારા FIR નોંધી શિક્ષકની ધરપકડ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

ગીર સોમનાથઃ ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર ઘટના બની હતી. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના માથે જવાબદારી છે, તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે. ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીર સોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીર ગઢડાના તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. 

શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રને કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.