રાજકોટ: રંગીલા રાજકોટ શહેરમાં આજની સવાર ભારે ગોઝારી સાબિત થઈ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માત્ર સાડા ત્રણ કલાકના ટૂંકા ગાળામાં આપઘાતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બહુમાળી ભવનની સરકારી કચેરીમાં મહિલા પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી 83 વર્ષીય વૃદ્ધે મોતની છલાંગ લગાવી હતી. જંક્શન પ્લોટ વિસ્તારમાં યુવતીના ફ્લેટની બાલ્કનીમાંથી પટકાતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
શહેરની મધ્યમાં આવેલા અને સતત ધમધમતા રહેતા બહુમાળી ભવનમાં સવારે આપઘાતની ઘટના બનતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અહીં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા 60 વર્ષીય પ્રભાબેન સરવૈયાએ કચેરીમાં જ આવેલી ભૂસ્તર શાસ્ત્રીની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રભાબેને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે આ મામલે પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ હાથ ધરી છે.
બીજી ઘટના શહેરના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં બની હતી. અહીં રહેતા 83 વર્ષીય વૃદ્ધ કાંતિલાલ રામાણીએ એપાર્ટમેન્ટના નવમા માળેથી નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી હતી. ઊંચાઈ પરથી પટકાવાને કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાંતિલાલ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યાં હતા અને બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
ત્રીજી ઘટના શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં જંક્શન મેઈન રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટમાં સવારે 8 થી 8:30 વાગ્યાના અરસામાં બની હતી. અહીં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા દિલીપ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે દિલીપ એક યુવતીના ફ્લેટ પર હતો, તે દરમિયાન અચાનક યુવતીના માતા-પિતા ત્યાં આવી પહોંચ્યાં હતા. પકડાઈ જવાના ડર અને ગભરાટના કારણે યુવકે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે છલાંગ લગાવી દીધી હોવાનું મનાઈ રહ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસે યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ બનાવ આપઘાત છે કે અકસ્માત તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

















