વારાણસી: દેવ દીપાવલીના અવસરે ધર્મનગરી વારાણસીમાં અદ્ભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો છે. આ પવિત્ર પર્વ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ ધામને ફૂલો, રંગબેરંગી રોશની અને અસંખ્ય માટીના દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું. સમગ્ર ધામની આ ભવ્યતા જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પીએમ મોદીએ શેર કરી તસવીરો
કાશીમાં દેવ દીપાવલીની આ ભવ્ય ઉજવણી જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કાશીની સુંદરતા દર્શાવતી તસવીરો શેર કરીને લખ્યું કે, બાબા વિશ્વનાથની નગરીમાં આજે સર્વત્ર દેવ દીપાવલીની અદ્ભુત દિવ્યતા અને અલૌકિક છટા વિખરાયેલી છે.
આ અગાઉ વડાપ્રધાને દેશવાસીઓને કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ પાવન પર્વમાં સેવા દ્વારા પરોપકારનો સંદેશ છુપાયેલો છે. પવિત્ર સ્નાન, દાન-પુણ્ય અને દીપદાનની આ સમૃદ્ધ પરંપરા સૌના જીવનમાં શ્રદ્ધા, આસ્થા અને સકારાત્મકતાનો સંચાર કરે તેવી તેમણે મંગળકામના વ્યક્ત કરી હતી.
















