• બનાવટી આઈડી કાર્ડ સાથે ભુંભલીના રત્નકલાકારની ધરપકડ 
  • પોલીસનું કાર્ડ બતાવીને મેળામાં મફતમાં રાઈડ્સની મજા માણતો હતો શખ્સ 
  • ઘોઘારોડ પોલીસે બાતમીને આધારે રંગેહાથ દબોચી લીધો
  • નકલી કાર્ડ ક્યાં બનાવડાવ્યું અને અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે કેમ ? તે અંગે તપાસ તેજ

ભાવનગર:  શહેરના જવાહર મેદાન ખાતે ચાલી રહેલા જન્માષ્ટમીના લોકમેળામાંથી ઘોઘારોડ પોલીસે ગાંધીનગર S.I.T.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનો ખોટો રોફ જમાવતા એક નકલી પોલીસને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી બનાવટી પોલીસ આઈ-કાર્ડ જપ્ત કરાયું છે.

જવાહર મેદાનમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાની પાસે પોલીસનું બનાવટી આઈ- કાર્ડ રાખીને મેળામાં ફરી રહ્યો છે અને પોલીસના નામે જુદી જુદી રાઈડ્સમાં બેસીને મફતમાં મજા માણી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

પોલીસે પકડાયેલા શખ્સની અંગઝડતી લેતાં તેની પાસેથી ગુજરાત પોલીસ લખેલું ગાંધીનગર S.I.T.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું એક ઓળખકાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડ પર મોબીન ઇકબાલભાઈ સોડાગર નામ દર્શાવેલું હતું. પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ જગદીશ ડાહ્યાભાઈ મકવાણા (રહે. ભુંભલી રામપર ગામ, જિ. ભાવનગર) તરીકે થઈ હતી. વ્યવસાયે રત્નકલાકાર એવા જગદીશે સરકારી સેવકના ખોટા હોદ્દા અને અન્ય વ્યક્તિના નામનો દુરુપયોગ કરી બોગસ કાર્ડ બનાવ્યું હોવાની પોલ ખૂલી ગઈ હતી.