- ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો
- ગાંધીનગરથી ખુલાસો મંગાયો, તપાસ SMCને સોંપાઈ
- કોંગ્રેસએ ભાજપ પર પ્રહાર કર્યા
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં દારૂની મહેફિલ બાદ નકલી દારૂ પીવાના કારણે 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 21 લોકોની હાલત ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે અને સરકારે તાબડતોબ દારૂના અડ્ડાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવાના આદેશ જારી કર્યા છે.
આ ગંભીર ઘટના અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ આઈજીને સમયસર ટેલિફોનિક કે લેખિત જાણ ન કરવા બદલ સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ અમદાવાદ ખાતે તાકીદની બેઠક યોજી સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે.
આદેશ મળતાં જ SMCના SP મયુરસિંહ ચાવડા તાત્કાલિક ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર SP કચેરી ખાતે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને SMCના SP વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

















