- સ્થિતિ પર કાબૂ રાખવા બોટાદ, અમરેલીથી પોલીસ બોલાવાઈ
- ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને આ કાંડના આરોપીઓ પક્ષે કેસ ન લડવાનો નિર્ણય લીધો
ભાવનગરઃ મિથેનોલયુક્ત ઝેરી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 46 લોકો સારવાર હેઠળ છે. ઘટનામાં મુખ્ય સૂત્રધાર સહિત 13 ઝડપાયા છે. પોલીસે બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ ન પીવા અપીલ કરી છે.
દારૂ બનાવવા ઉજ્જૈનથી બોલાવાયેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલયુક્ત દારૂ બનાવ્યો હતો. પોતે બનાવેલો દારૂ પીવાથી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ભાવનગરથી દારૂ પીને સુરત ગયેલો મૂળ ભાવનગરનો 35 વર્ષીય સંજયસિંહ ગંભીર હાલતમાં છેલ્લા 3 દિવસથી બેભાન છે.
SMC, LCB અને સ્થાનિક પોલીસે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી 21 સામે ગુનો નોંધી 13ની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર રઈસને SMC દ્વારા ઈન્દોરથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ IG દ્વારા વરતેજ PI એ.બી.પઢેરીયા અને DGP દ્વારા LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત વરતેજના 4 અન્ય પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા છે.













