નવી દિલ્હી: ગૂગલે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક નવું ફીચર ‘Verified Calls’ લોન્ચ કરી દીધું છે. આ નવી સુવિધાની મદદથી યૂઝર્સ સ્પેમ કોલની ઓળખ કરી શકશે, તે સિવાય કોણ કૉલ કરી રહ્યું છે, કૉલ કરવાનું કારણ શું છે અને કોલરનો લોગો પણ દેખાડશે. ગૂગલનું આ નવુ ફીચર લાવવા માટેનું મોટું કારણ ફોન કોલથી થતી છેતરપિંડી પર લગામ લગાવવા પર પણ છે.
ગૂગલના Verified Calls ફિચરને પહેલા પાંચ દેશોમાં લોન્ચ કર્યું છે, જેમાં ભારત, બ્રાઝિલ, મેક્સિકો, સ્પેન અને અમેરિકા સામેલ છે. આ પછી દુનિયાના અન્ય દેશોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફીચરમાં બિઝનેસનું વેરિફાઈડ બેચ પણ ગૂગલ દ્વારા વેરિફાઈડ કરેલા નંબર પર દેખાશે. ગૂગલનું આ નવુ ફીચર યૂઝર્સને એ પણ જણાવશે કે, તેમને બિઝનેસ કોલ કરવાનું કારણ શું છે. જે ફીચર અત્યાર સુધી TrueCaller એપમાં નથી. એવામાં આ ફીચર TrueCallerને ટક્કર આપશે.
હાલમાં આ પ્રકારનું ફીચર TrueCaller એપમાં છે, જે યૂઝર્સને અજાણ્યા કોલની જાણકારી આપે છે. હવે ગૂગલ Verified Calls જ TrueCallerનું કામ કરી દેશે. ગૂગલ ફોન એપમાં આ ફીચર આવ્યાં બાદ આ ફંક્શન યૂઝર્સનું કામ સરળ બનાવી દેશે. એટલે કે આ એપ આવ્યાં બાદ યૂઝરને કોઇ થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર નહીં રહે. આ એપ આવ્યાં બાદ યૂઝર્સને મોટો ફાયદો થશે અને છેતરપિંડી પર લગામ લાગશે.
ગૂગલના પિક્સલ સીરીઝના ડિવાઈસીઝ સિવાય અનેક એન્ડ્રોઈડ ફોનમાં Google Phone એપ બાય ડિફોલ્ટ ડાયલરનું કામ કરે છે. નવું ફીચર આ તમામ ફોનમાં આગામી અપડેટ્સ સાથે મળી જશે. જો તમારા ફોનમાં Google Phone એપ ઈન્સ્ટોલ નથી તો તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.














