સુરત: નૂતન વર્ષ અને વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભ પ્રસંગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે યોજાયેલા ખાસ શુભેચ્છા કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતા અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપતાં અત્યંત મહત્વપૂર્ણ ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ કે મંત્રીથી કદાચ વાત છુપાવી શકાશે, પરંતુ કર્મના ફળમાંથી કોઈ બચી શકશે નહીં. કોઈ નિર્દોષ કે ગરીબની હાય લીધી હશે તો તેનો હિસાબ આ જ જન્મમાં અને અહીં જ ચૂકવવો પડશે.
સ્નેહમિલન સમારોહમાં સૌને સાલમુબારક પાઠવતા ગૃહમંત્રીએ દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ખડેપગે રહેનારા પોલીસ જવાનો, એસટી બસના ચાલક-કંડક્ટર તેમજ અગ્નિશમન દળ અને સફાઈ કર્મીઓની સેવાને બિરદાવી હતી.
પોલીસ કમિશનરના વક્તવ્યનો સંદર્ભ ટાંકતાં તેમણે જણાવ્યું હતું કે, "મારી ઉંમર આશીર્વાદ આપવાની નથી, હું તો લોકોની દુઆઓ લેવા આવ્યો છું. હું કોઈ ઉપરી અધિકારી નહીં પણ ટીમ મેમ્બર તરીકે કામ કરું છું." તેમણે ઉમેર્યું કે પોલીસ સ્ટેશને આવતા સામાન્ય નાગરિક સાથે કોઈ અન્યાય કે છેતરપિંડી ન થવી જોઈએ.













