સુરતઃ દિવાળીના તહેવાર વચ્ચે કતારગામના ગોટલાવડી ચાર રસ્તા નજીક એક ખ્રિસ્તી કબ્રસ્તાનમાં અજાણ્યા યુવાનનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની માહિતી મળતાં, કતારગામ પોલીસ, સિનિયર પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ 30 વર્ષીય સંજય તરીકે થઈ હતી, જે અમરોલી વિસ્તારનો રહેવાસી હતો. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપી સચિત્ર કુમાર નરેન્દ્ર બાલ મૂળ ઓડિશાના છે. તે કતારગામ GIDC માં લૂમ ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા.
વિવાદનું કારણ શું હતું ?
પ્રાથમિક તપાસ મુજબ, સંજય અને આરોપીઓ વચ્ચે 30,000 રૂપિયાના વ્યવહારને લઈને વિવાદ થયો હતો. આ વિવાદને કારણે, આરોપીએ સંજયને તેના ઘરે બોલાવ્યો હતો. પહોંચ્યાં પછી તેણે તેના બંને હાથ બાંધી દીધા હતા અને માંસ કાપતી છરીથી તેની ક્રૂરતાથી હત્યા કરી હતી. આરોપીએ તેનું માથું તેના શરીરથી અલગ કરી દીધું હતુ.














