સુરત: દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારોને પગલે સુરતથી પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ ઉમટી પડતાં હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા બચી નહોતી. જોકે, પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સ્થિતિ નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી અને બે જ દિવસમાં અંદાજે 60 હજાર મુસાફરોને સુરક્ષિત રીતે વતન રવાના કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના ડીઆરએમના જણાવ્યા અનુસાર, શુક્રવારે પગાર અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં જ લોકો એકસાથે સ્ટેશને પહોંચવા લાગ્યા હતા. શુક્રવારે નિયમિત અને 6 થી 7 સ્પેશિયલ ટ્રેનો મળીને 30 થી 35 હજાર મુસાફરો રવાના થયા હતા. સામાન્ય રીતે શનિ-રવિમાં 15 થી 25 હજાર અને ગત વર્ષે 35 હજાર મુસાફરો નોંધાયા હતા, પરંતુ આ વખતે તમામ રેકોર્ડ તોડીને માત્ર શનિવાર અને રવિવાર દરમિયાન આ આંકડો 50 થી 60 હજાર સુધી પહોંચી ગયો છે.
મુસાફરોને સ્ટેશન પર વધુ સમય રાહ ન જોવી પડે તે માટે રેલવે પ્રશાસન દ્વારા રાઉન્ડ ધ ક્લોક ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે 5:30, 8:30, 10:10 (તાપ્તી ગંગા એક્સપ્રેસ), 11:30 અને બપોરે 1:00 વાગ્યે ટ્રેનો રવાના કરાઈ હતી. ત્યારબાદ રાત્રે ભીડ વધતાં 10:00, 11:30, મોડી રાત્રે 1:30, વહેલી સવારે 3:00, 5:00, 7:00, 8:00 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ તેમજ જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો સતત દોડતી રાખવામાં આવી હતી.













