સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી હતી. 25 વર્ષીય યુવાન BHMS મહિલા તબીબે લગ્નજીવનના આંતરિક વિખવાદથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, 25 વર્ષીય મહિલા તબીબ કતારગામ સ્થિત લેકવ્યુ ગાર્ડન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ બાબત ધ્યાને આવતાં તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં આશરે ચાર કલાક સુધી ચાલેલી સઘન સારવાર બાદ તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક મહિલા તબીબના લગ્ન ભાવનગર ખાતે પ્રેક્ટિસ કરતા એક BHMS તબીબ સાથે થયા હતા. બંને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં લગ્નના થોડા જ સમયમાં તેમના દાંપત્યજીવનમાં તિરાડ પડી હતી. લગ્નના માંડ છ મહિના વીત્યા બાદ પતિ દ્વારા છૂટાછેડાની માંગણી કરવામાં આવી હતી. આ પારિવારિક વિખવાદને થાળે પાડવા માટે છેલ્લા બે મહિનાથી બંને પક્ષના પરિવારજનો વચ્ચે સમાધાનના સઘન પ્રયાસો ચાલી રહ્યા હતા. જોકે, સમાધાનના પ્રયાસો વચ્ચે મહિલા તબીબે આ આત્યંતિક પગલું ભરી લેતાં બંને પરિવારોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં કતારગામ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી હતી. આ સ્યુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે અને મહિલા તબીબે કયા સંજોગોમાં આ પગલું ભરવું પડ્યું, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી.