તિરુપતિઃ વિશ્વભરના કરોડો ભક્તોની આસ્થાના પરમ કેન્દ્ર એવા આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના ઇતિહાસમાં આગામી 26 નવેમ્બરનો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે.ભગવાન વેંકટેશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા એક ભક્ત દ્વારા મંદિરને અત્યાર સુધીનું સૌથી મોટું સુવર્ણ દાન કરવામાં આવનાર છે. આ ભક્ત ભગવાનની મૂળ મૂર્તિ માટે ખાસ તૈયાર કરાવેલા 121 કિલો સોનાના આભૂષણો અર્પણ કરશે, જેની અંદાજિત બજાર કિંમત ₹160 કરોડ જેટલી થાય છે.
ચેન્નઈના જાણીતા જ્વેલર્સ પાસે તૈયાર થયા 45 અલંકારો
ભગવાન બાલાજીના એક પરમ ભક્તે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) નો સંપર્ક કરીને આ ઐતિહાસિક દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભગવાનની મૂળ મૂર્તિના શણગાર માટે કુલ 9 સેટમાં વહેંચાયેલા 45 અલગ-અલગ પ્રકારના સોનાના આભૂષણો તૈયાર કરવામાં આવ્યાં છે.121 કિલો વજન ધરાવતા આ અત્યંત બારીક અને કલાત્મક ઘરેણાં ચેન્નઈના એક પ્રતિષ્ઠિત જ્વેલર્સ પાસે ખાસ ઓર્ડર આપીને ઘડાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે.
અમેરિકા સ્થિત ભક્તની ઓળખ રાખવામાં આવી છે ગુપ્ત


















