વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષની હાર બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો હવે ભારતીય સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. સિએટલમાં દિવાળીની ઉજવણી કરી રહેલા ભારતીયોના એક કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થક જેક લેંગ અને તેના સાથીએ ઘૂસીને પ્લેકાર્ડ લહેરાવ્યા હતા તેમજ ભારતીય સમુદાય વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હતા. તેમના હાથમાં રહેલા પોસ્ટરો પર લખ્યું હતું – તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢો અને હિંદુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને અમેરિકાના કેટલાક સાંસદોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

દિવાળીના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જેક લેંગને તાત્કાલિક સ્થળ પરથી બહાર કાઢી મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, જેક લેંગ એ જ વ્યક્તિ છે જે વ્હાઇટ રિપ્લેસમેન્ટ સંગઠન સાથે સંકળાયેલો છે. તે 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકન સંસદ ભવન પર થયેલા હુમલામાં સામેલ લોકો પૈકીનો એક હતો. તેને ચાર વર્ષની જેલની સજા થઈ હતી, પરંતુ બાદમાં 2025માં પોતાના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને માફી આપી દીધી હતી. જેક લેંગે દાવો કર્યો હતો કે હિંદુ-અમેરિકનોએ ટેક્સાસને ડેમોક્રેટ્સની તરફેણમાં કરી દીધું છે. મહત્વની બાબત એ છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીના તહેવારની ઉજવણી કરી છે.

આ ઘટના પર ભારતીય મૂળના અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિંદુ સમુદાયને કોઈપણ પ્રકારના ડર વગર પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. આપણા શહેરમાં અને દેશમાં નફરત ફેલાવતી આવી હરકતો માટે કોઈ સ્થાન નથી. અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આવો આજે દિવાળી પર ગર્વથી દીવો પ્રગટાવીએ, પરંતુ સાથે જ એ સંકલ્પ પણ લઈએ કે હિંદુઓ કે અન્ય કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ફેલાવવામાં આવતી આવી નફરતને આપણે જડમૂળથી નાબૂદ કરવાની છે.

વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું કે લેંગ અને એલનની આ હરકતો અત્યંત ઘૃણાસ્પદ હતી. હિંદુ અમેરિકનો અને ભારતીય પ્રવાસીઓને જાતિવાદી ટિપ્પણીઓ અને ષડયંત્રની વાતો દ્વારા નિશાન બનાવવા માટે આ દેશમાં કોઈ સ્થાન નથી. અમે આ જાતિવાદની વિરુદ્ધ છીએ અને દરેક અમેરિકનના એ અધિકારની સાથે ઊભા છીએ, જેના હેઠળ તેઓ પોતાના વારસાની મુક્તપણે ઉજવણી કરી શકે છે.