સુરતઃ એસીબીએ દિવાળી પહેલા જ લાંચ લેનારા બે સરકારી બાબુઓને ઝડપી લીધા છે. સુરત મનપાની પીપલોદ આરોગ્ય કચેરીના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારને ફટાકડા વેચાણના લાયસન્સ માટે 11 હજાર રૂપિયાની લાંચ લેતા સુરત ગ્રામ્ય ACB એ ઝડપી લીધા છે.
ફરિયાદી દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા મનપામાં અરજી કરવામાં આવી હતી, જે અરજી પીપલોદ આરોગ્ય કચેરી ખાતે પહોંચી હતી.લાયસન્સ આપવાની પ્રક્રિયા સરળતાથી પાર પાડવા અને મંજૂરી આપવાના બદલામાં મનપાના કર્મચારીઓ દ્વારા 11,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી (ACB) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી.પીપલોદ આરોગ્ય કચેરી ખાતે સુરત મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદાર ફરિયાદી પાસેથી 11,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી રહ્યાં હતા ત્યારે જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા.













