ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે દિવાળીના તહેવાર પૂર્વે અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જાહેર સલામતી તેમજ સુરક્ષા સજ્જતાની સમીક્ષા કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગુજરાત ગૃહ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ અને કાયદાના અમલીકરણને મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના કાયદો-વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરી ખેડૂતોને લગતી બાબતો, આર્થિક ગુનાઓ, કથિત ‘લવ જેહાદ’ના કેસો, સરહદી જિલ્લાઓ, દબાણો અને અન્ય સંવેદનશીલ બાબતો પર ચર્ચા કરી રાજ્ય સરકારને સૂચનો તેમજ દિશાનિર્દેશો આપ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ શાહને ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની સ્થિતિ, પોક્સો કેસો, એનડીપીએસ સંબંધિત કેસો, ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ  અને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સના અમલીકરણ, એફઆઈઆર નોંધણી, ચાર્જશીટ, ઇ-સાક્ષ્ય એપ્લિકેશન અને ઇ-સમન્સ વિશે માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં મેડિકો-લીગલ એક્ઝામિનેશન એન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટિંગ સિસ્ટમ, મોડેલ પ્રિઝન એક્ટ અને મોડેલ પ્રિઝન મેન્યુઅલના અમલીકરણ, મોબાઈલ ફોરેન્સિક વાનની તૈનાતી, વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં માનવબળની જરૂરિયાતો અને જાતીય ગુનાઓ માટેની ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમની પણ સમીક્ષા કરવામાં આવી હતી.