અમદાવાદ: દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે હાઇકમાન્ડે લાલ આંખ કરી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા શિસ્તભંગના પગલાંરૂપે ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા હોદ્દેદારોને પદ પરથી હટાવી આગામી સૂચના ન મળે ત્યાં સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં સ્ટેટ સેક્રેટરી સહિત 24 જિલ્લા પ્રમુખોનો સમાવેશ થતાં સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ગત 1 નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘વોટ ચોરી’ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિશાળ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંગઠન દ્વારા તમામ હોદ્દેદારોને દિલ્હી પહોંચવા સૂચના આપવામાં આવી હતી. જો કે, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતા.

રેલી સંપન્ન થયા બાદ યોજાયેલી ઉચ્ચસ્તરીય ઓનલાઈન બેઠકમાં આ ગેરહાજરીની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, દેશના દરેક રાજ્યમાં આવા ગેરહાજર સભ્યો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જે નેતાઓને દિલ્હી ઉપસ્થિત રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં તેઓ આવ્યાં ન હતા, તે તમામ સામે પગલાં લેવાયા છે. આગામી સમયમાં આ માટે એક સત્તાવાર ફોર્મ બહાર પાડીને ગેરહાજરી પાછળનું યોગ્ય કારણ માંગવામાં આવશે. જે હોદ્દેદારો સંતોષકારક ખુલાસો આપશે અને ફરી સક્રિય થશે, તેમની પુનઃવાપસી અંગે વિચારણા કરાશે. પરંતુ હાલના તબક્કે તમામ 49 હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે.

બીજી તરફ, આ વિવાદ વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતાના મતવિસ્તારમાં મુખ્યમંત્રીનો નિર્ધારિત કાર્યક્રમ હોવાને કારણે દિલ્હી ખાતેની રેલીમાં પહોંચી શક્યા ન હતા. યુથ કોંગ્રેસ દ્વારા એક સાથે 24 જિલ્લા યુથ પ્રમુખો સહિત આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારો સામે કરવામાં આવેલી શિક્ષાત્મક કાર્યવાહીથી સંગઠનમાં સોપો પડી ગયો છે. 

સસ્પેન્ડ 1

સસ્પેન્ડ 2 jpg

3 દ