હનોઈઃ વિયેતનામની રાજધાની હનોઈના એક હોટપોટ રેસ્ટોરન્ટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટ ગેસ લીકેજને કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાને કારણે આસપાસના મકાનો અને ઈમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
અહેવાલ મુજબ, વહેલી સવારે થયેલા આ ધડાકાથી બારીઓના કાચ તૂટી ગયા હતા, દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને દુકાનોના લોખંડના શટર પણ ફ્રેમમાંથી ઉખડી ગયા હતા. પતરાના છાપરા અને શેડ ધરાશાયી થઈ ગયા હતા તથા કાટમાળ રસ્તા પર વિખેરાઈ ગયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની એપાર્ટમેન્ટ ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી.
પોલીસ કાટમાળ નીચે દટાયેલા જીવિત લોકોને શોધવા માટે ખાસ ઉપકરણોનો અને કોંક્રિટના સ્લેબ હટાવવા માટે હાઈડ્રોલિક મશીનરીનો ઉપયોગ કરી રહી છે. વિસ્ફોટ સમયે રેસ્ટોરન્ટમાં ઘણી ભીડ હતી. સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ આસપાસની જોખમી બનેલી ઈમારતોમાંથી રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. હનોઈ પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે, અને પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ બ્લાસ્ટને કારણે ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 14થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.

















