(સીસીટીવીમાં લીધેલો સ્ક્રીન શોટ)
- ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં રુંવાડા ઊભા કરતી ઘટના બની
- જેલમાંથી છૂટીને આવેલા પતિએ આડા સંબંધના વહેમમાં લોહી વહાવ્યું
- સારવાર દરમિયાન મહિલાનું મોત, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
ભાવનગર: સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ગઈકાલે બપોરના સમયે એક અત્યંત ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આડા સંબંધની આશંકા રાખી માથાભારે શખ્સે જાહેરમાં પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, જમીન પર પછાડી માથાના ભાગે લાતો મારીને માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ, સમગ્ર ક્રૂર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સિટી પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ લૂંટ સહિત શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયેલા ફૈઝલને શંકા હતી કે તેની પત્ની તેના મિત્ર રવિ ઉર્ફે બાંડા સાથે આડા સંબંધો ધરાવતી હતી. 3 ઓગસ્ટના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે બસ સ્ટેન્ડ પરિષરમાં આ બાબતે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

















