સુરતઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તહેવારોની ખુશી વચ્ચે શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. અશ્વિનીકુમાર વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને 28 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૂળ અટલજીનગર ખાતે રહેતો 28 વર્ષીય યુવક દિવાળીની રાત્રે પોતાના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન જ સોસાયટીમાં રહેતો એક શખ્સ પૂરઝડપે બાઇક ચલાવીને યુવકની એકદમ નજીકથી કટ મારીને પસાર થયો હતો. અકસ્માત થતાં સહેજમાં બચી જતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે આસપાસ હાજર મિત્રો અને સ્થાનિકોએ વચ્ચે પડીને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા.

દિવાળીની રાત્રે થયેલા આ ઝઘડાની અદાવત આરોપીઓએ મનમાં રાખી હતી. બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે આરોપીઓએ યુવકને ફોન કર્યો હતો અને ગઈકાલની વાત ભૂલી જઈને માફી માંગી મામલો કાયમી ધોરણે પતાવી દેવા માટે જણાવ્યું હતું.તારીખ 10 નવેમ્બરની રાત્રે આરોપીઓ યુવકને વિશ્વાસમાં લઈને મોપેડ પર બેસાડી અશ્વિનીકુમાર વિસ્તારમાં એક અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ યુવકે મોટું મન રાખીને માફી માંગી લીધી હતી. આમ છતાં, આરોપીઓએ ઉશ્કેરણીજનક વર્તન ચાલુ રાખી ફરીથી બોલાચાલી શરૂ કરી હતી. યુવકે આ બાબતે વાંધો ઉઠાવતા મામલો બિચક્યો હતો.

બોલાચાલી ઉગ્ર બનતા પહેલેથી જ પૂર્વઆયોજિત કાવતરું રચીને આવેલા રમેશ બિંદ, રાજુ સરોજ, સાહીલ સોનકર, રાહુલ ગુપ્તા અને તેમની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સે યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો.આ દરમિયાન મુખ્ય આરોપી રમેશ બિંદે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી હતી અને યુવક કંઈ સમજે તે પહેલાં જ તેના પેટ, પડખા અને પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જીવ બચાવવા માટે ગંભીર રીતે ઘવાયેલો યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાંથી ભાગ્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે થોડે દૂર જઈને જમીન પર ઢળી પડ્યો હતો. બીજી તરફ, હુમલાખોરો ઘટનાસ્થળેથી મોપેડ પર બેસીને ફરાર થઈ ગયા હતા.