નવી દિલ્હી: અત્યારના ડિઝિટલ યુગમાં લોકો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અપનાવી રહ્યાં છે. બજારમાં ઘણી ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન છે. પે-ટીએમ, ફોન-પે, ગુગલ પે જેવી અનેક ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન બજારમાં ઉપલબ્ધ છે અને ગ્રાહકો ઓનલાઇન પોતાનું પેમેન્ટ કરી રહ્યાં છે. પરંતુ ગુગલ પર ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા સંગ્રહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અભિષેક શર્મા નામના વકીલે ગુગલ પર સંવેદનશીલ ડેટા સંગ્રહ કરવાનો આરોપ લગાવતી પીટીશન દાખલ કરી છે.
હાઈકોર્ટે ગુગલ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવનારી અરજી પર ગુગલ ઈન્ડિયા, આરબીઆઈ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. પીટીશનમાં આરોપ લગાવ્યો છે કે ગુગલ પે ગ્રાહકોના સંવેદનશીલ ડેટા સંગ્રહ કરીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
મુખ્ય ન્યાયાધિશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ પ્રતિક જાલાનની ખંડપીઠે પીટીશન પર આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે કરશે.પીટીશન દાખલ કરનાર વકીલ અભિષેક શર્માએ દાખલ કરેલ પીટીશનમાં ગુગલ પે પર ડેટાના સંગ્રહ તેમજ વેચાણ ધોરણે સંબંધિત માર્ગદર્શિકાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
પીટીશનમાં તર્ક આપ્યો છે કે ગુગલ પે એક થર્ડ પાર્ટી એટલે કે ત્રીજા પક્ષની એપ્લીકેશન છે.ત્રીજા પક્ષે એપ્લીકેશનના રૂપમાં ગુગલ પેને ગ્રાહકોના સંવેદનશીલ ડેટાનો સંગ્રહ કરી આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ માર્ગદર્શિકા અનુસાર ફક્ત ચૂકણવી સેવા પ્રદાન કરતી બેંક સિસ્ટમને જ ડેટા સંગ્રહ કરવાની પરવાનગી છે ન કે કોઈ ત્રીજા પક્ષની એપ્લીકેશનને.













