વડોદરાઃ હાલોલ-વડોદરા હાઈવે પરથી શુક્રવારે ઝડપાયેલો આતંકી મોહમ્મદ શાહરુલ ઈસ્લામ 14 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે ગુજરાત ATSની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આતંકીએ આસામથી આવીને વડોદરા એરફોર્સ સ્ટેશનના લીધેલા ફોટો-વીડિયો પાકિસ્તાન પહોંચાડી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આસામમાં આવેલા આતંકીના ઘરની તલાશી લેવામાં આવતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું જેહાદી સાહિત્ય મળી આવ્યું છે.

ગુજરાત ATSની ટીમ વડોદરા, દાહોદ, યુપી અને આસામમાં તપાસ કરી રહી છે. ગુજરાતમાં તેને અન્ય કોઈએ મદદ કરી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા પાસેથી ઝડપાયેલા આતંકીએ વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી ફોટો-વીડિયો મેળવ્યાં હતા, જે પાકિસ્તાન પહોંચાડી દીધા હોવાનો ખુલાસો થયો છે. આસામના કરીમગંજ જિલ્લામાં આવેલા આતંકીના ઘરની  તપાસ કરતા જૈશ-એ-મોહમ્મદનો ફ્લેગ, જેહાદી પુસ્તકો અને મસૂદ અઝહરના પુસ્તકો મળી આવ્યાં છે. તે યુપીના દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરતો હતો.

આતંકીએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ અને બેંક એકાઉન્ટની વિગતોની પણ તપાસ ચાલી રહી છે, જેમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં જેહાદી પ્રવૃત્તિને લઈ સર્ચ કરતો રહેતો હતો. પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેનો ઈરાદો જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાનો હતો. વડોદરા પાસેથી આતંકી ઝડપાયા બાદ ગુજરાત ATSની ટીમે વડોદરા ઉપરાંત આસામ, યુપી અને દાહોદમાં તપાસ હાથ ધરી છે. આ મોડ્યુલમાં જોડાયેલા અન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ATSની સાથે સેન્ટ્રલની અન્ય એજન્સીઓ પણ આતંકીની પૂછપરછ કરી રહી છે. આતંકી પોતે હથિયાર ચલાવવા માટે ખૂબ આતુર હતો અને પાકિસ્તાન સ્થિત હેન્ડલર કહે એટલે હથિયાર ચલાવવાની તૈયારી પણ હતી.

ગુજરાતમાં આતંકી હુમલાના ઈરાદા સાથે આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીને ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) એ હાલોલ-વડોદરા હાઈવે પરથી દબોચી લીધો હતો. આતંકીના કબજામાંથી એક AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં હતા.