મ્યાનમારઃ ગુરુવારે એક શાળા પર સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 30 લોકોનાં મોત થયાં હોવાનો વિપક્ષનો દાવો છે. આ હુમલાની ઘટના એવા સમયે બની છે, જ્યારે તેના એક સપ્તાહ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) એ 2017 માં રોહિંગ્યા લઘુમતી સમૂદાય વિરુદ્ધ થયેલા નરસંહારના મામલે મ્યાનમારને જવાબદાર ઠેરવતો ચૂકાદો આપ્યો હતો.
મ્યાનમારમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે સૈન્ય દ્વારા કરવામાં આવેલા વધુ એક હવાઈ હુમલાએ નિર્દોષ નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. દેશના મધ્ય ભાગમાં આવેલા મગવે (Magway) પ્રાંતના બળવાખોરોના નિયંત્રણ હેઠળના ગામમાં શાળા અને બૌદ્ધ મઠના પરિષર પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં લોકોના મોત થઇ ગયા છે.
વિપક્ષી સંગઠન નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (NUG) અને સ્થાનિક સાક્ષીએ દાવો કર્યો છે કે મૃતકોમાં મહિલાઓ, બાળકો અને એક નવજાત શિશુનો સમાવેશ થાય છે.
આ ઘટના ગુરુવાર, 26 નવેમ્બરના રોજ સિનબાઉંગવે ટાઉનશિપમાં બની હતી. શનિવારે 28 નવેમ્બરના રોજ આ અંગેની વિગતો સામે આવી હતી. રોયટર્સના અહેવાલ મુજબ હુમલો થયો ત્યારે શાળા અને મઠના પરિષરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. NUG અને વચગાળાની મગવે ફેડરલ યુનિટ સરકારના સંયુક્ત નિવેદન અનુસાર, ગુરુવારે બપોરે લગભગ 3 વાગ્યે સૈન્યએ શાળા અને બૌદ્ધ મઠના સંયુક્ત પરિષરને નિશાન બનાવ્યું હતું અને આ હુમલો સૈન્યએ કર્યો હતો.

















