મુંબઈ: દેશભરમાં સીમાંકન અંગે બે દિવસથી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સીમાંકન મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના સમર્થનની જાહેરાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે શરદ પવારની પાર્ટીના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પોતાનું ત્રણ વર્ષ જૂનું નિવેદન યાદ અપાવતા શરદ પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ પવારનો જંતર-મંતર છે.

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે તેમણે 2 જુલાઈ 2023 ના રોજ જ આ રાજકીય ઘટનાક્રમ અંગે પોતાની વાત રજૂ કરી હતી. તે સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું એક જૂથ અલગ થઈને ભાજપ તરફ ગયું હતું. ત્યાર બાદ આગામી ત્રણ વર્ષ સુધી NCP ના બંને જૂથોએ એકબીજા વિરુદ્ધ લડાઈનું એવું પ્રદર્શન કર્યું, જેનાથી લાગ્યું કે તેમની વચ્ચે વાસ્તવિક રાજકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. પરંતુ હવે, જેમ તેમણે પહેલા કહ્યું હતું તેમ, બીજું જૂથ પણ સત્તાના પગથિયાં ચઢવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ ઠાકરેએ પોતાના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે આને પહેલેથી જ 'પવારનો જંતર-મંતર' ગણાવ્યો હતો, જેને બહુ ઓછા લોકો સમજી શકે છે. તેમના આ નિવેદનને શરદ પવારની રાજકીય રણનીતિ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.

સંસદ સત્ર પહેલા શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) એ સીમાંકનનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ આ વાતની પુષ્ટિ કરી હતી. આવ્હાડે કહ્યું કે સીમાંકન બંધારણીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવતું કામ છે અને તેને આજે નહીં તો કાલે કરવું જ પડશે. તેમણે જણાવ્યું કે સુપ્રિયા સુલે અને પાર્ટીના સાંસદોએ આ અંગે નિર્ણય લીધો છે અને તેમની પાર્ટી સીમાંકનનું સમર્થન કરશે.

બીજી તરફ, શરદ પવારની પાર્ટીના આ નિર્ણયથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને શરદ પવારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યાં છે.. સીમાંકનના મુદ્દે વિપક્ષી દળો વચ્ચે પહેલેથી જ રહેલા મતભેદો હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ખુલીને સામે આવવા લાગ્યા છે.

આ પવારનું જંતર-મંતર છેઃ સીમાંકન પર NCP-SPના મોદી સરકારને સમર્થનથી ભડક્યા રાજ ઠાકરે, ત્રણ વર્ષ જૂનું નિવેદન યાદ અપાવ્યું
આ પવારનું જંતર-મંતર છેઃ સીમાંકન પર NCP-SPના મોદી સરકારને સમર્થનથી ભડક્યા રાજ ઠાકરે, ત્રણ વર્ષ જૂનું નિવેદન યાદ અપાવ્યું