વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, ગૂગલના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) સુંદર પિચાઇ સંપૂર્ણ રીતે અમેરિકાને સમર્પિત છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સુંદર પિચાઇ પર ચીનની આર્મીને મદદ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્વિટ કરીને લખ્યું કે, "મેં હમણા @Googleના પ્રમુખ @sundarpichai સાથે મુલાકાત કરી હતી. તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમણે મને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ફક્ત અમેરિકન આર્મીને સમર્પિત છે, ચીનની આર્મીને નહીં."
ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ચીનમાં ગૂગલની બિઝનેસ પ્રવૃત્તિઓથી ચીનના લશ્કરને ફાયદો મળી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
ટ્રમ્પ અને સુંદર પિચાઈ વચ્ચેની બેઠક અંગે ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "બંને નેતાઓ વચ્ચે બેઠક સકારાત્મક રહી હતી. બેઠક દરમિયાન અમેરિકન વર્કફોર્સ, નવી ટેક્નોલોજી અને સરકાર સાથે રહીને કામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી."













