દેવભૂમિ દ્વારકાઃ ફરીયાદી તથા તેમના ભાગીદારની હરીપર ગામ ખાતે આવેલી કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહીં કરવાના અવેજ પેટે લાંચ માંગવામાં આવી હતી. હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાહ્યાંભાઇ અરજણભાઇ પરમાર, ઉ.વ.55 અને જીવાભાઇ અરજણભાઇ પરમાર, ઉ.વ.- 41 એ ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. 30 લાખની લાંચની માંગણી કરી હતી. રકજકના અંતે રૂ. 20 લાખ આપવાનો વાયદો કર્યો હતો.
તે પૈકી રૂ. 5 લાખ આજે આપવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ આપી હતી. તેને આધારે ફરીયાદીના મિત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, ખાતે ગોઠવેલા લાંચના છટકામાં બંન્ને શખ્સો ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ. 5 લાખ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: એ.આર.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા એ.સી.બી.સ્ટાફ
સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ














