વોશિંગ્ટન ડીસીઃ એક સમયે ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ ઈકોનોમી' ગણાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા છે. ચીન પ્રવાસેથી પરત ફર્યા બાદ ટ્રમ્પે ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી છે. તેમણે અમેરિકાની ફેડરલ રિઝર્વને સલાહ આપી છે કે તે ભારત પાસેથી કંઇક શીખે.
ટ્રમ્પના મતે, ભારતમાં ઓછા વ્યાજદરને કારણે આર્થિક વિકાસને વેગ મળ્યો છે અને દેશનો GDP ગ્રોથ 7 ટકા સુધી પહોંચ્યો છે. તેમણે દાવો કર્યો કે જો અમેરિકામાં પણ વ્યાજદર ઘટાડવામાં આવે તો દેશનો આર્થિક વિકાસ 15થી 20 ટકા સુધી પહોંચી શકે છે.
ભારતના આર્થિક વિકાસનું ઉદાહરણ આપ્યું
અમેરિકી રાષ્ટ્રપતિએ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે અમેરિકામાં સારા આર્થિક આંકડા સામે આવ્યાં હોવા છતાં વ્યાજદર ઊંચા રાખવામાં આવે છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યારે અર્થવ્યવસ્થા સારો દેખાવ કરી રહી હોય ત્યારે વ્યાજદર ઘટાડીને વિકાસને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે ભારતનું ઉદાહરણ આપીને જણાવ્યું કે ઓછા વ્યાજદરથી આર્થિક ગતિવિધિઓને વેગ મળી શકે છે.

















