અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી સમયમાં વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. શરૂઆતમાં તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીથી રાહત મળી શકે છે, ત્યારબાદ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીના જોરદાર ચમકારા, પશ્ચિમી વિક્ષેપ અને માવઠાની શક્યતા છે.
તાપમાનમાં વધારો અને દેશના અન્ય ભાગોમાં હવામાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 3 દિવસ દરમિયાન સંબંધિત વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ધીમો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, જેનાથી હાલની ઠંડી વચ્ચે થોડા દિવસ રાહત મળી શકે. 28 નવેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી.
બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પૂર્વીય પવનોને કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. 23 થી 27 નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં અને 24 થી 26 નવેમ્બર દરમિયાન કેરળમાં કેટલાક સ્થળે ભારે વરસાદ સાથે ગાજવીજ, વીજળી અને તેજ પવનની આગાહી છે. 24 થી 26 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વ્યાપક વરસાદ થઈ શકે છે.


















